નવગુજરાત સમય

279k Followers

જૂની પેન્શન યોજના મુદ્દે રાજ્ય સરકાર સાથે સમાધાન અને કેન્દ્ર પાસે માગણી

23 Sep 2022.11:22 AM

- જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે કેન્દ્ર રાજ્ય સરકારને નિર્દેશ આપે તેવી માગણી કરાઈ

નવગુજરાત સમય > અમદાવાદ

- શિક્ષકોના જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે સરકાર સાથે સમાધાન કર્યા બાદ હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રના શિક્ષણમંત્રીને પત્ર લખી શિક્ષકોના હિતમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવા માટે રજૂઆત કરી છે.

જ્યારે ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આ સંઘ સમાધાનની ફોર્મ્યુલા સાથે સહમત થયું હતું અને માસ સીએલનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હતો. હવે જ્યારે સમાધાન થઈ ગયું છે ત્યારે સંઘને રાજ્ય સરકાર પર વિશ્વાસ ન હોય તેમ હવે વડાપ્રધાન સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષકોની જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે શરૂ થયેલા આંદોલનમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ જોડાયું હતું. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા માસ સીએલના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જોકે, આ કાર્યક્રમ થાય તે પહેલાં જ સંગઠનોના હોદ્દેદારોની સરકાર સાથે મળેલી બેઠકમાં 15 જેટલા મુદ્દાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા સમાધાન થયું હતું. સમાધાન બાદ પ્રાથમિક શિક્ષક સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, શૈક્ષણિક સંકલન સમિતિ સહિતના વિવિધ શૈક્ષણિક સંગઠનોએ માસ સીએલનો કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.

જોકે, સંગઠનોના નિર્ણય સામે શિક્ષકો સંમત થયા ન હતા અને તેમણે શનિવારે માસ સીએલ રાખી હતી. જેના પગલે વિવિધ શૈક્ષણિક સંગઠનોના પગ તળે રેલો આવ્યો હતો. આમ, પોતાની તાકાત સમાન શિક્ષકો જ સંગઠનથી દુર થતાં જણાતા હવે શૈક્ષણિક સંગઠનોએ ફરી તેમને પોતાના પક્ષમાં કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હવે વડાપ્રધાન અને કેન્દ્રના શિક્ષણમંત્રીને જૂની પેન્શન યોજના મુદ્દે પત્ર લખી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માગણી કરે છે. સરકાર સાથે થયેલી મંત્રણામાં કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો ગુજરાત સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરી શકે તેમ હોઈ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની મંજૂરી આપે તે માટે પણ રજૂઆતમાં જણાવાયું છે. આર્થિક રીતે નબળા ગણાતા રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ નવી પેન્શન યોજના સમાપ્ત કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ તેનું અનુકરણ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay

#Hashtags