VTV News

1.2M Followers

વ્યવસ્થા / ચૂંટણી જાહેર થતાં જ ગુજરાત બોર્ડરને સીલ કરી દેવાશે, કેશ-ડ્રગ્સ હેરફેર પર કડક વોચ ગોઠવાશે: ચૂંટણી પંચ

14 Oct 2022.4:42 PM

  • ચૂંટણીમાં આ વખતે કઈ કઈ નવી સુવિધાઓ મળશે?
  • પિક અને ડ્રોપ, ઘરેથી પણ મતદાન, મહિલાઓ માટે અલગ બુથ, કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ
  • નાગરિકો C-vigil એપ કરી શકશે ફરિયાદ, કોરોના નિર્દેશોનું પાલન, દિવ્યાંગોને વ્હીલચેરની વ્યવસ્થા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચને મીડિયા કર્મીઑ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો.

જેના જવાબમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે જવાબ આપ્યો હતો કે વાતાવરણને લઈને હિમાચલ પ્રદેશની ચૂંટણી વહેલી જાહેર કરવામાં આવી છે. લોકોને પરેશાની ન થાય તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ચૂંટણીની જાહેરાત અત્યારે કરવામાં આવી નથી જેથી દિવાળી બાદ એટલે કે હજુ પણ 15-20 દિવસ પછી જાહેર થશે તેવી શક્યતાઓ છે.

ગુજરાતની તારીખો જાહેર ન કરવા પાછળ ચૂંટણી કમિશ્નરે આપ્યું મુખ્ય આ કારણ
ગુજરાત પહેલા હિમાચલની ચૂંટણીઓ જાહેર કરવા સંદર્ભે કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે કારણ કે શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર કરવી જરૂરી છે. સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે 40 દિવસનો તફાવત છે એટલે કે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવાશે
પણ આ સાથે ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી વ્યવસ્થાની વાત પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ઓકટોબર મહિનામાં લોકતંત્રનું પર્વ પણ આવી રહ્યું છે. ચૂંટણી જાહેરાત થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશની બોર્ડરને સીલ કરી દેવામાં આવશે તથા કેશ-ડ્રગ્સ જેવી હેરફેર પર કડક વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવશે, તમામ એજન્સીઓને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે કે કેશની સાથે સાથે ગુડ્સ પર પણ નજર રાખવામાં આવે તેવી સૂચનઆ આપી દીધી હોવાની પણ માહિતી આપી હતી. કોરોનાને ધ્યાને લેતા ચૂંટણીમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાને ધ્યાને રાખીને આપવામાં આવેલ તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે

પિક અને ડ્રોપની સુવિધા હશે
ચીફ ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા રાજીવ કુમારે કહ્યું હતું કે લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એટલા માટે પિક અને ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. જો કે આ સુવિધા વિશેષ સ્થિતિમાં જ આપવામાં આવશે.

ઘરેથી પણ મતદાનની સુવિધા અપાશે
80 વર્ષથી વધુની ઉમરના લોકો, દિવ્યાંગ અને કોરોના સંક્રમિત લોકો જો મત આપવા માંગે છે અને બુથ સુધી નથી આવી શકે તેમ તો તેમણે માટે ચૂંટણી આયોગે આગવી વ્યવસ્થા કરી છે. અને આવા મતદાતાઓના ઘરે જઈને તેમણે મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.

મહિલાઓ માટે અલગ બુથ
મતદાન કેન્દ્ર પર દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવશે. તેમના મતદાન માટે અલગથી ગોઠવણ કરવામાં આવશે. મહિલાઓ માટે અલગ બૂથ ઊભા કરવામાં આવશે તેમજ તમામ બૂથ પર પાણી અને ગરમીમાં રાહત મળે તેવી વ્યવસ્થા હશે.

ગરબડ દેખાય તો જનતા કયા કરી શકશે ફરિયાદ?
જો ચૂંટણીમાં પૈસા, ડ્રગ્સ અથવા કોઈપણ પ્રકારના પાવરનો દુરુપયોગ થાય છે, તો નાગરિકો C-vigil એપ પર તે લગતી જાણકારી આપી શકે છે. ઉમેદવારોની માહિતી એપ પર જ ઉપલબ્ધ થશે. અમે એપ પર ઉમેદવારોના ગુના અને સંપત્તિ વિશે માહિતી ચૂંટણી પંચ એપ પર મૂકશે જેથી મતદાતાઓ પોતાના ઉમેદવારને જાણી શકશે.

લોકો વધુમાં વધુ મતદાન કરે: ચૂંટણી પંચ
ચૂંટણી પહેલા ચીફ સેક્રેટરી, DGP સહિતના તમામ અધિકારીઓ સાથે અનેક બેઠકો થઈ છે, કોરોનાને લઈને પણ સમીક્ષા કરવામાં કરી દેવામાં આવી છે. વધુમાં રાજીવ કુમારે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમારો પ્રયાસ છે કે નવા મતદાતા, વૃદ્ધો તથા દિવ્યાંગજનોની પણ મોટી ભાગીદારી થાય લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે.

ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષથી વધુની ઉંમર ધરાવે છે
દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર 1000 પુરુષની તુલનામાં 934 મહિલા છે. ગુજરાતમાં 11,800 મતદાતા 100 વર્ષની ઉંમર ધરાવે છે.

આખરી મતદાર યાદી થઇ ગઇ છે જાહેર
ચૂંટણી પંચે ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર કરી દીધી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

2017ની ચૂંટણી 25 ઓક્ટોબરે જાહેર થઇ હતી
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 2017ના ઇલેક્શનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 25 ઓક્ટોબર 2017ના રોજ જાહેર થઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠક માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 14મી ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠક માટે 14 જિલ્લામાં મતદાન થયું હતું.

ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર ન થવાના સંભવિત કારણો
મહત્વનું છે કે, ગુજરાતમાં હજું ઘણા સરકારી કાર્યક્રમો બાકી છે. ડિફેન્સ એક્સપો જે 20-21-22 ઓક્ટોબરે આયોજિત છે, જેમાં વડાપ્રધાન પોતે હાજરી આપવાના છે. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણી જાહેર થવાની શક્યતા ઓછી છે. આ પહેલાં પણ ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક કારણોથી એ પાછો ઠેલવામાં આવ્યો હતો. ગુજરાત એક્સપો સરકારનો ખૂબ મોટો કાર્યક્રમ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ ઓક્ટોબર મહિનામાં ઘણાં નાના-મોટા કાર્યક્રમો છે જે સરકાર દ્વારા આયોજિત કરાયેલા છે. બીજી બાજુ વાત કરીએ તો 18 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે જ્યારે હિમાચલ પ્રદેશનો 8 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ગુજરાતની તારીખો મોડી કરવાનું નક્કી કર્યુ હોઈ શકે.

2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે થયું હતું મતદાન
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરીએ તો ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી યોજાઈ હતી, જોકે મતદાનની તારીખ અલગ-અલગ હતી. જ્યારે મતગણતરી બંને રાજ્યોમાં એક જ દિવસે કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં 68 સીટોવાળી વિધાનસભા માટે 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે આ બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 18 ડિસેમ્બરના રોજ આવ્યા હતા.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags