ABP અસ્મિતા

414k Followers

Rishi Sunak New UK PM: અંગ્રેજો પર રાજ કરશે ભારતીય મૂળના ઋષિ સુનક, દોઢ મહિનામાં જ નસીબે મારી પલટી

24 Oct 2022.6:33 PM

Rishi Sunak News: બ્રિટનના નવા વડાપ્રધાનને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઋષિ સુનક બ્રિટનના પીએમ બનવાના છે. આજે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મૂળના ઋષિ સુનક ઈતિહાસ રચીને યુકેના નવા વડાપ્રધાન બનશે. ઋષિ સુનકે પેની મોર્ડોન્ટને પાછળ છોડી દીધા છે. ઋષિ સુનકને 180 થી વધુ સાંસદોનું સમર્થન મળી રહ્યું હતું, જ્યારે પેની મોર્ડોન્ટ સમર્થનમાં ઘણા પાછળ હતા, ત્યારબાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

સૂત્રોનું માનીએ તો ઋષિ સુનક 28 ઓક્ટોબરે શપથ લઈ શકે છે.

આ અગાઉ, બ્રિટિશ વડા પ્રધાન પદ માટે ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને દાવો ન કરતા ભારતીય મૂળના નેતા ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ પર કબજો કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. પૂર્વ મંત્રી પ્રીતિ પટેલ, જેમ્સ ક્લેવરલી અને નદીમ જાહવીએ પણ ઋષિ સુનકને ટેકો જાહેર કર્યો હતો.

પીએમ રેસમાં ઋષિ સુનક સૌથી આગળ હતા

વાસ્તવમાં, લિઝ ટ્રુસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું હતું. દેશે ફરીથી પોતાના વડાપ્રધાન પસંદ કરવાના હતા. પીએમ પદની રેસમાં ઘણા નામો સામે આવ્યા હતા, પરંતુ બે નામ એવા છે જે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું નામ હતું. જો કે બોરિસ જોન્સને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા સુનકનો માર્ગ મોકળો બની ગયો હતો.

રવિવારે સુનકે ઉમેદવારી જાહેર કરી

ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક ફરી એકવાર બ્રિટનના પીએમ પદની રેસમાં જોડાયા હતા. યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકે રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ પીએમ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના 128 સાંસદ સુનકને સમર્થન આપી રહ્યા છે, જે પીએમ બનવા માટેના ન્યૂનતમ 100ના આંકડાથી ઘણા વધારે છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુનક જોન્સન સરકારમાં નાણા મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. બાદમાં સુનકે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને રાજીનામું આપી દીધું. જે બાદ અન્ય સાંસદો પણ ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં જોન્સને પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. લિઝ ટ્રસ નવા PM બન્યા. જો કે, તે લાંબા સમય સુધી સરકાર ચલાવી શકી ન હતી અને મિની બજેટમાં આર્થિક નિર્ણયોને કારણે વિવાદમાં આવી ગઈ હતી અને 45 દિવસ પછી રાજીનામું આપવું પડ્યું હતું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags