સંદેશ

1.5M Followers

સુરતમાં મોબાઈલ ગેમ બની 14 વર્ષના બાળકના મોતનું કારણ

21 Jan 2023.7:05 PM

  • ગેમની હાર જીતના ઝઘડામાં બે ભાઈઓએ માર માર્યો હતો
  • ત્રણ મહિના બાદ પાંડેસરા પોલીસે નોંધી ફરિયાદ
  • બે ભાઈઓ સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો

સુરત શહેરના ઉનના રેશમાનગરમાં ધો. 8માં અભ્યાસ કરતા 14 વર્ષીય સગીરના ભેદી રીતે થયેલા મૃત્યુના કિસ્સામાં પાંડેસરા પોલીસે 3 માસ બાદ મૃતકના સગીર મિત્ર અને તેના કરાટેની તાલીમ મેળવનારા ભાઇ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.

ફ્રી ફાયર ગેમમાં હારજીતના મુદ્દે થયેલા ઝઘડામાં ગળું દબાવી મુક્કા મરાતા સગીરનું મોત થયું હોવાનો ખુલાસો થયો હતો.

મળતી માહિતી મુજબ ઉન, ભીંડીબજાર સ્થિત અમનનગરમાં રહેતો ઇરફાન અમીર હસન શેખ (ઉં.વ. 14) ઘર નજીક આવેલી સરકારી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. ગત 17મી ઓક્ટોબરે ઇરફાન રેશમાનગરમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

મૃતકના પરિવારજનોએ જે-તે સમયે આક્ષેપ કર્યો હતો કે, ઇરફાનનો ઘર નજીક રહેતા સગીર વયના મિત્ર અને તેના ભાઇ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઇરફાનનું મોત થયું હતું. મૃતક ઇરફાનના પિતા આઠેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. ઇરફાનના બીજા બે મોટા ભાઈ છે. જે-તે સમયે પાંડેસરા પોલીસે આ કેસમાં અકસ્માત મોત દાખલ કર્યુ હતું. પોસ્ટમોર્ટ્મનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરવાની વાત કરી હતી.

દરમિયાન ઘટનાના 3 મહિના બાદ પાંડેસરા પોલીસે જે બંને ભાઇ સામે આક્ષેપો થઇ રહ્યા હતા. તેઓ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. સ્કૂલમાં સાથે ભણતા 15 વર્ષીય સગીર મિત્ર અને તેના 17 વર્ષીય મોટા ભાઇએ ફ્રી ફાયર ગેમની હારજીતના ઝઘડામાં ઇરફાનનું ગળું દબાવી દીધું હતું અને બાદમાં મોઢા સહિતના ભાગે આડેધડ મુક્કા માર્યા હતા. જેને પગલે ઇરફાન જમીન પર ઢળી પડી મોતને ભેટયો હતો. પાંડેસરા પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી છે.

ન્યાય માટે કમિશનર અને કોર્ટમાં ફરિયાદ કરી હતી

મૃતકના પરિવારજનોએ ન્યાય માટે વારંવાર પાંડેસરા પોલીસના ધક્કા ખાધા હતા. આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની માંગ સાથે તેઓએ ગત મહિને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ ન્યાય માટે કોર્ટના પણ દ્વાર ખખડાવ્યા હતા. આખરે 3 મહિના બાદ બંને સગીર ભાઇઓ સામે પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ કેસમાં પીએમ રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags