ABP અસ્મિતા

414k Followers

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?

12 Dec 2020.12:00 PM

ભરૂચઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવા મોહાલ સર્જાયો છે. ઝરમર વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે મોટું નિવેદન આપ્યું છે.

ભરૂચના વાલિયામાં મુખ્યમંત્રીએ કહ્યુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરી વળતર ચૂકવાશે. આ ઉપરાંત દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બોલતાં તેમણે જણાવ્યું, ખેડૂત આંદોલનના બહાને વિરોધ પક્ષઓ રાજકીય રોટલા શેકી રહ્યા છે, ભારત બંધની નિષ્ફળતા જ આ દર્શાવે છે.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા ખેડૂતોના હકમાં જ છે. આ ઉપરાંત તેમણે કહ્યું, કોરોના કાળમાં પણ રાજ્ય સરકારે અટક્યા વિના તમામ યોજનાઓ અને ચાલુ કાર્યોને સમયસર પુરા કર્યા છે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો પુરી કરીને 'જ્યાં માનવી ત્યાં વિકાસ' તે મંત્રને આપણે સાકાર કર્યો છે.

ચોમાસા દરમિયાન સતત વરસાદથી ખેડૂતોના તલ,મગફળી,કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. હજી તો તેની પણ કળ નથી વળી ત્યાં શિયાળુ પાકનું વાવેતર કરતા જ વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે. હાલના કમોસમી વરસાદથી ઘઉં, ચણાના પાકને નુકસાન થવાની આશંકા છે.

રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરુચ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags