સંદેશ

1.5M Followers

SSC માસ પ્રમોશન : નવા ૮ હજારથી વધુ પ્રવાસી શિક્ષકોની જગ્યા ભરવાનો અંદાજ

13 Jun 2021.06:47 AM

। અમદાવાદ ।

કોરોના મહામારીના કારણે ધોરણ.૧૦ના ૮.૫૭ લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હજુ ૩.૬૨ લાખ ખાનગી અને રિપિટર્સ વિદ્યાર્થી પણ માસ પ્રમોશન આપવાની માગ કરી રહ્યાં છે. પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ધોરણ.૧૧માં વિદ્યાર્થીઓના પ્રવેશ થનાર છે. ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વધારાના ૩ હજાર જેટલા વર્ગો શરૂ કરવાની જરૂરિયાત ઉભી થશે તેવી વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષણ વિભાગને વિગતો પ્રાપ્ત થઈ છે. વર્ગો વધવાની સાથે સાથે શિક્ષકોની મોટી જરૂરિયાત પણ ઉભી થશે. શિક્ષણ વિભાગના સુત્રોના જણાવ્યું પ્રમાણે આ વર્ષે અંદાજે ૮ હજારથી વધુ પ્રવાસી શિક્ષકો ભરવાની જરૂરિયાત ઉભી થવાનો અંદાજ છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે, માસ પ્રમોશનના કારણે આ વર્ષે રાજ્યમાં અંદાજે ૧૫ હજારથી વધુ શિક્ષકોની ઘટ વર્તાવાની શક્યતાઓ હતી. કારણ કે, દર વર્ષે ૬થી ૭ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો ભરવામાં આવે છે. જેથી આ વખતે આ સંખ્યા ડબલથી પણ વધુ થઈ જાત. પરંતુ ચાલુ વર્ષે જ ૭,૬૩૩ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જેથી હવે ૮ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો ભરવાનો અંદાજ છે. આ ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે ધોરણ.૧૧ના પ્રવેશ પૂર્ણ થશે. ત્યાર બાદ કયા જિલ્લામાં કેટલાક શિક્ષકોની જરૂરિયાત છે તેના આધારે પ્રવાસી શિક્ષક ભરવાની જાહેરાત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ ચાલતો રહે છે. કેટલાક કિસ્સામાં કોર્ટ મેટર પણ બનતી હોય છે. ત્યારે પ્રવાસી શિક્ષકની ભરતીમાં હજુ સુધી એવો કોઈ મોટો વિવાદ થયો નથી.

જરૂરિયાત હશે તેવી શાળાઓમાં શિક્ષણકાર્ય બે પાળીમાં ચલાવવાનું શિક્ષણ વિભાગનું આયોજન

ધોરણ.૧૦માં માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્મય લેવાયો હોવાથી આ વખતે ધોરણ.૧૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે. જેના કારણે રાજ્યની કેટલીક સ્કૂલોમાં ઈન્ફાસ્ટ્રક્ચરનો પણ પ્રશ્ન ઉભો થશે. કારણ કે, રાજ્યની ઘણી સ્કૂલોમાં ઓરડાઓની પણ ઘટ હોવાની વિગતો અવાર-નવાર સામે આવે છે. જેથી તાત્કાલિક ઈન્ફાસ્ટ્રક્ચર ઉભુ કરવુ શક્યા નથી. જેના કારણે જ્યાં જરૂરિયાત જણાશે તેવી સ્કૂલોને બે પાળીમાં ચલાવવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની સત્તા જે-તે જિલ્લાના શિક્ષણાધિકારીને સોંપવામાં આવશે તેવુ શિક્ષણ વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

ચાલુ વર્ષે હાઈસ્કૂલોમાં નવા ૭, ૬૩૩ શિક્ષકો ભરાશે

રાજ્ય શાળા કમિશનર કચેરી દ્વારા ચાલુ વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ૮ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી હોવાથી માસ પ્રમોશનની સ્થિતિમાં થોડી રાહત મળશે. ઉચ્ચત્તર માધ્યમિક સરકારી શાળામાં ૬૧૭ શિક્ષકો હાલમાં સ્કૂલોમાં જોડાઈ ગયા છે અને ગ્રાન્ટેડ શાળામાં ૨,૯૩૮ શિક્ષકોને તો નિમણુક પત્રકો આપી દેવાયા છે. આ સિવાય સરકારી માધ્યમિક શાળામાં પણ નવા ૧૩૭૮ શિક્ષકો હાજર થઈ ગયા છે. આ સિવાય ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ૨,૭૦૦ જેટલા શિક્ષકોનો ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન શરૂ કરાયું છે જેઓને પણ જુલાઈના બીજા સપ્તાહમાં નિમણુક પત્રકો અપાઈ જશે.

ધો.૧૦મા ગત વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓ કરતાં આ વખતે નિયમિત વિદ્યાર્થીઓ ૩.૫૫ લાખ વધુ

ગત વર્ષે ધોરણ.૧૦ના કુલ ૭,૯૨,૯૪૨ નિયમિત વિદ્યાર્થીઓમાંથી ૪,૮૦,૮૪૫ વિદ્યાર્થી પાસ જાહેર થયાં હતા. આ સિવાય ૨,૧૨,૩૩૮ રિપિટર્સ વિદ્યાર્થીમાંથી ૧૯,૩૧૩ વિદ્યાર્થી પાસ થયાં હતા અને ખાનગી તથા એક્સર્ટનલ ૧૭,૧૭૮ ઉમેદવારમાંથી ૧,૦૫૧ પાસ થયાં હતા. આમ કુલ ૧૦,૨૨,૪૫૮ વિદ્યાર્થીઓમાંથી ૫,૦૧,૨૦૯ વિદ્યાર્થી પાસ જાહેર થયાં હતા. આ વર્ષે સરકાર દ્વારા ૮.૫૭ લાખ વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેથી ગત વર્ષે ધોરણ.૧૦ પાસ કરેલ કુલ વિદ્યાર્થીઓ કરતાં નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૫૫,૭૯૧નો ઉમેરો થશે. આ સિવાય આ વર્ષે રિપિટર્સ અને ખાનગી મળીને કુલ ૩.૬૨ લાખ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. જો તેઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. માસ પ્રમોશન નહી અપાય તો પણ આ વર્ષે રિપિટર્સ અને ખાનગી વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી વધુ રહેશે તેવો અંદાજ છે. કારણ કે, કોરોનાના કારણે અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકવા ઉપરાંત પરીક્ષા લેવાશે તો પણ તે રાહતવાળી પદ્ધતિ અપનાવાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags