GSTV

1.3M Followers

BIG NEWS / શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા આપ્યો આ સંકેત

26 Jul 2021.2:44 PM

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ 9થી 11ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના NCC હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 'કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે. બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જ્યાર બાદ વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણપ્રધાને જણાવ્યું.'

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 6થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે પણ સરકાર વિચારણા કરશે. 50 ટકા કેપિસિટી સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. જો કે તમને જણાવી દઇએ કે, સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

રાજ્યભરમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓ ઓફલાઈન શરૂ

રાજ્યભરમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓ ઓફલાઈન શરૂ થઈ છે. ત્યારે અમદાવાદમાં પણ સવારથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી હતી. લાંબા સમય બાદ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયા છે. ત્યારે મિત્રો પોતાના સાથી મિત્રોને મળીને ખુશ જોવા મળ્યાં હતાં. અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પહોંચે તે પહેલાં ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ સેનેટાઈઝ કરાવવામાં આવ્યાં હતાં. તો આ સાથે જ વાલીઓના સંમતિપત્રક સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં પણ ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ કરવામાં આવ્યાં

રાજકોટમાં પણ ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ કરવામાં આવ્યાં. રાજકોટ જિલ્લામાં 900 જેટલી શાળાઓમાં 1.30 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરુ થયું છે. વિદ્યાર્થીઓની 50 ટકા કેપેસિટી સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે..સોશિયલ ડિસ્ટન્સ તથા વિવિધ માર્ગદર્શિકા સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે વાલીનું સમંતિ પત્રક ફરજીયાત કરવામાં આવ્યું છે.

CM રૂપાણી દ્વારા ધો. 9થી 11ના વર્ગો શરૂ કરવા લેવાયો હતો મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, 22 જુલાઇના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021થી શરૂ થશે. 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે.

શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજૂ કરવાનો રહેશે. ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે. રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags