GSTV

1.4M Followers

BIG BREAKING/ ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે : ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન

27 Jul 2021.3:31 PM

Last Updated on July 27, 2021 by pratik shah

ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

કચ્છનો પ્રવાસન વિકાસ થયો

ધોળાવીરા ગુજરાતની ધરોહર છે, પરંતુ સરકારે તેને બહુ મોડેથી વિકસાવી.

કચ્છનો પ્રવાસન વિકાસ થયો ત્યારે ધોળાવીરાનો નંબર લાગ્યો બાકી તો ત્યાં ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરતીમાં ધરબાયેલો છે. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા. ધોળાવીરામાંથી સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા-લીપી)માં લખાયેલું સાઈનબોર્ડ મળી આવ્યું છે.

ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું.

એમાં શું લખ્યું છે, એ દુનિયાભરના સંશોધકો ઉકેલી શક્યા નથી. તો વળી ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું. ખાસ અને આમ એમ બે પ્રકારના નગરજનોમાં વહેંચાયેલા નગરનું બાંધકામ પણ એવું હતું, જેમાં વચ્ચેના ભાગમાં રાજવીઓ કે પછી નગપપતિઓ રહેતા. બહારના ભાગમાં ગામજનો રહેતા. રણ વિસ્તાર હોવા છતાં પાણીની અછત ઉભી ન થાય એટલા માટે નગર ફરતે અનેક કદાવર ટાંકા બનાવાયા હતા. એ ટાંકા આજે પણ ધોળાવીરા જનારા પ્રવાસીઓ જોઈ શકે છે. તો વળી હજારો વર્ષ પહેલા ત્યાં પથ્થરનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે પાણીની ઠંડક જળવાઈ રહે. એ વખતના બાથરૃમ અને જળ સંગ્રહના ટાંકા પણ ધોળાવીરાની મુલાકાત વખતે જોઈ સમજી શકાય જો સાથે ગાઈડ હોય તો. ધોળાવીરાની જોકે જોઈએ એવી જાળવણી થતી નથી. અગાઉ ત્યાં બાંધકામના નામે પુરાતત્વીય અવશેષો પર બુલડોઝર ફેરવાયા હતા તો વળી હમણાં આગ પણ લાગી હતી. હવે તેને હેરિટેજનો દરજ્જો મળશે એટલે વિશ્વભરમાંથી પ્રવાસીઓ વધુ અપેક્ષા સાથે આવશે. એમની અપેક્ષા પ્રમાણે ધોળાવીરાની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે.

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે.

ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું

નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે.

ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ગાઈડની મદદ લે તો તેમને જાણવા મળે કે અવશેષોમાં એ જમાનાનું બાથરૃમ છે અને એ જમાનાનું ફ્રીજ પણ છે. ત્યાંનું કદાવર બાથરૃમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. એ બાથરૃમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી આવતું રહેતું. કુવામાં પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલા કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જીનિયરોએ વ્યવસ્થા કરી હતી.

ફ્રીજ અથવા જળ સંગ્રહનો ટાંકો, જેની દીવાલો કોઈ એક પથ્થરની નહીં, એકથી વધારે પ્રકારના પથ્થરો વાપરીને બનાવાઈ છે. તેના કારણે ઊનાળામાં પાણી ઠંડું રહે. આજે પણ તેમાં ભરાયેલું પાણી ઊનાળામાં ઠંડું રહી શકે એમ છે. પાણી ઠંડું રહે એટલા માટે બાથરૃમની દીવાલો ખાસ પ્રકારે બનાવાઈ હતી. પથ્થરના એકથી વધારે થર છે, તેની વચ્ચે મુલતાની માટીનું પડ છે. ફ્રીજને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે અને આ ટાંકાને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે છે.

ધોળાવીરાના જાણકાર ગાઈડ ચમનભાઈએ જણાવ્યું હતું કે 'આ જળ-સંગ્રહસ્થાન એ જમાનાનું ફ્રીજ છે. પણ ધોળાવીરા આવતા મોટા ભાગના પ્રવાસીઓ પથ્થરમાં ઊંડા ઉતર્યા વગર ફોટો શેસન કરીને રવાના થાય એટલે તેમને એ માહિતી મળી શકતી નથી'. ક્યારેક ફ્રીજ સાફ કરવાનું થાય ત્યારે બધું પાણી ખાલી કર્યા પછીય સાફ-સફાઈ માટે બહારથી લાવવું ન પડે એટલા માટે ફ્રીજમાં વળી નાનો હોજ પણ છે, જેમાં થોડું પાણી સચવાતું.

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે.

'સિંધુ નદીના બન્ને કાંઠે વિસ્તરી હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એક સમયે આ સંસ્કૃતિનો વિસ્તાર ૧૫ લાખ ચોરસ કિલોમીટર (અત્યારના ભારત કરતાં અડધો) હતો. આપણુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનો કેટલોક ભાગ વગેરે સિંધુ સભ્યતાના પ્રદેશો હતા. સિંધુ સંસ્કૃતિ કેમ નાશ પામી એ અંગે સંશોધકો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. વિવિધ થિયરીઓ રજૂ થતી રહે છે.

નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૃઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે.

સંશોધન પ્રમાણે શરૃઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags