GSTV

1.4M Followers

રિસર્ચ / ચીનની એક ફેક્ટરી દર અઠવાડિયે પેદા કરે છે 2 કરોડ 'સજ્જન મચ્છર', પરંતુ કેમ?

10 Sep 2021.8:38 PM

Last Updated on September 10, 2021 by Pritesh Mehta

ચીનમાં એક એવી ફેક્ટરી છે જે દર અઠવાડિયે 2 કરોડ 'સજ્જન' એટલે કે સારા મચ્છરોનું ઉત્પાદન કરે છે. આ મચ્છરો બાદમાં જંગલો અને અન્ય બીજી જગ્યાઓએ છોડી દેવામાં આવે છે. આ મચ્છરોનું કામ છે અન્ય મચ્છરો સામે લડીને બીમારીઓને રોકવાનું છે. જાણો આ બધું કેવી રીતે થાય છે.

મચ્છરોને કારણે કોણ જાને કેટલી જીવલેણ બીમારીઓ દુનિયાભરમાં દરવર્ષે ફેલાતી હોય છે અને તેના કારણે અગણિત લોકોના મોત થાય છે.

તાજેતરમાં મચ્છરોને કારણે દેશભરમાં ડેન્ગ્યુના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. ચીને મચ્છરોને ખતમ કરવા માટે એકે વિચિત્ર છતાં અનોખી રીત અપનાવી છે. તેણે પોતાની એક ફેક્ટરીમાં એવા સારા મચ્છરોનું ઉત્પાદન કર્યું છે જે બીમારીઓ ફેલાવતા મચ્છરોનો ખાત્મો કરશે.

તમે પણ ચોંકી ગયા હશે કે આ કેવા પ્રકારના મચ્છરો છે. વાસ્તવમાં આ મચ્છરોને સારા મચ્છરો એટલા માટે કહેવામાં આવે છે કે તે બીમારી ફેલાવતા મચ્છરોના વિકાસને પોતાની રીતે રોકી દે છે. આ કામ ચીનના એક રિસર્ચ બાદ શરૂ કરવામાં આવ્યું છે.

ચીનના દક્ષિણી પ્રાંત ગ્વાંગઝોઉમાં એક ફેક્ટરી છે જે આ મચ્છરોનું ઉત્પાદન કરે છે. અહીં દર અઠવાડિયે લગભગ 2 કરોડ મચ્છરોનું ઉત્પાદન થાય છે. આ મચ્છરો વાસ્તવમાં વોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે, જેનો પણ એક ફાયદો હોય છે.

ચીનમાં પહેલા સુન યેત સેત યુનિવર્સીટી અને મિશિગન યુનિવર્સીટીમાં એક રિસર્ચમાં સામે આવ્યું કે જો વોલબેચિયા બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો તે બીમારી ફેલાવતા મોટાભાગના મચ્છરોને પેદા કરતા માદા મચ્છરોને વંધ્ય બનાવી શકે છે. આ પાયા પર આ મચ્છરોનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ સારા મચ્છરોને વોલબેચિયા મચ્છર પણ કહેવામાં આવે છે.

પ્રથમ તેમને ગુઆંગઝોઉમાં ફેક્ટરીમાં ઉછેરવામાં આવે છે. બાદમાં, તેમને જંગલમાં અને એવી જગ્યાએ છોડી દેવામાં આવે છે જ્યાં વિપુલ પ્રમાણમાં મચ્છરો હોય છે. ફેક્ટરીમાં ઉછરેલા મચ્છર માદા મચ્છર સાથે ભળી જાય છે અને તેમની પ્રજનન ક્ષમતાનો નાશ કરે છે. પછી તે વિસ્તારમાં મચ્છર ઓછા થવા લાગે છે અને આનાથી રોગોની રોકથામ થાય છે.

સારા મચ્છરો ઉત્પન્ન કરતી આ ચાઇનીઝ ફેક્ટરી વિશ્વની આ પ્રકારની સૌથી મોટી ફેક્ટરી છે. તે 3500 ચોરસ મીટરમાં ફેલાયેલ છે. તેમાં 04 મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપમાં દર અઠવાડિયે આશરે 50 લાખ મચ્છર ઉત્પન્ન થાય છે.

ચીન આજકાલનું નહિ પરંતુ વર્ષ 2015 થી આ કામ કરી રહ્યું છે. અગાઉ આ મચ્છરો માત્ર ગ્વાંગઝોઉ માટે જ તૈયાર કરવામાં આવતા હતા. કારણ કે, અહીં દર વર્ષે ડેન્ગ્યુ ફેલાય છે. હવે, અહીં મચ્છરો પર ઘણું નિયંત્રણ કરવામાં આવ્યું છે, એટલે રોગોને પણ નિયંત્રિત કરવામાં આવ્યા છે. હવે આ ફેક્ટરીમાં મચ્છરોનું ઉત્પાદન કર્યા બાદ તેમને ચીનના અન્ય વિસ્તારોમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.

આ ફેક્ટરીમાં ઉછરેલા મચ્છરો ઘણો અવાજ કરે છે પરંતુ તે ચોક્કસ સમય પછી મૃત્યુ પામે છે. તેમની પાસેથી કોઈપણ રીતે રોગ ફેલાવવાનું જોખમ નથી.

ફેક્ટરીમાં પેદા કરવામાં આવતા તમામ મચ્છર નર છે. લેબમાં આ મચ્છરોના જનીનો બદલવામાં આવે છે. ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ થયો છે કે ચીન હવે બ્રાઝિલમાં પણ આવી ફેક્ટરી ખોલવા જઈ રહ્યું છે.

ચીનની આ ટેક્નિકને તેના પ્રથમ ટ્રાયલમાં જબરદસ્ત સફળતા મળી. જે વિસ્તારમાં આ મચ્છરો છોડવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકા ગાળામાં 96 ટકા મચ્છરોનો ઘટાડો થયો હતો. જે બાદ ચીને તેનો મોટા પાયે ઉપયોગ શરૂ કર્યો.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags