GSTV

1.4M Followers

રાજ્યમાં માવઠાની આગાહી યથાવત, હજુ આગામી 2 દિવસ સુધી આટલાં જિલ્લાઓના માથે કમોસમી વરસાદનું સંકટ

20 Nov 2021.09:32 AM

Last Updated on November 20, 2021 by Dhruv Brahmbhatt

શિયાળા વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી હજુ પણ યથાવત છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ એક-બે દિવસ સુધી માવઠાની અસર રહેશે. સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી સહિતના જિલ્લામાં માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

માવઠાના માહોલ વચ્ચે રાજ્યમાં પવનોની ગતિ વધતા ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 16.01 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર 14.9 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાયક્લોનિક સિસ્ટમ સર્જાવવાને પગલે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું પડયું છે. આજે દિવસ દરમિયાન ૬૮ તાલુકામાં આજે માવઠું પડતાં કૃષિ પાકોને વધુ નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. આજે વલસાડમાં સૌથી વધુ સવા ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આવતીકાલે પણ અનેક તાલુકામાં માવઠું પડી શકે છે.

આજે દિવસ દરમિયાન વલસાડ ઉપરાંત જ્યાં વધુ વરસાદ પડયો તેમાં ૨.૮૩ ઈંચ સાથે પાલનપુર, ૨.૫૦ ઈંચ સાથે સુરતના પલસાણા, ૨.૨૫ ઈંચ સાથે વાપી-ભૂજ-પાટણના સમી, ૨.૦૮ ઈંચ સાથે પાટણના સરસ્વતિ, ૨ ઈંચ સાથે વાંસદા-પાટણ-દાંતાનો સમાવેશ થાય છે. આમ, ૧૧ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ચીખલી-નવસારી-વિસાવદર-કાંકરેજ-પોસિના-દિયોદર-સુરત શહેર-અંજાર-રાધનપુર-સાંતલપુર-ડીસા-કચ્છના માંડવી સામેલ છે.

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભય ફેલાયો છે. વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં ુનુકસાનનો સામનો કરવો પડી શકે છે. વાદળિયા વાતાવરણથી કૃષિ પાકોમાં જીવાત પડવાની ધાસ્તી કૃષિકારોમાં છે. કૃષિ નિષ્ણાતોને મતે રાહતની વાત એ છે કે હજુ રવિ પાકનું વાવેતર શરૃ થયું નથી. અલબત્ત, જે પાક બહાર હતો તેને ભારે નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે સાબરકાંઠા-પાટણ-મહેસાણા-અમદાવાદ-ગાંધીનગર-અરવલ્લી-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા-તાપી-ડાંગ-સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-સુરેન્દ્રનગર-મોરબી-જામનગર-રાજકોટ-જુનાગઢ-અમરેલી-કચ્છમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં રવિવાર-સોમવારે પણ હળવા વરસાદની સંભાવના છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags