સત્ય ડે

205k Followers

શાળાઓ માં કરાવાતી સફાઈ એ કેળવણીનું અભિન્ન અંગ છે, સફાઈ વિનાનું શિક્ષણ એકાંગી છે : ડૉ. નલિન પંડિત

04 Dec 2021.10:22 PM

આજના બદલાતા શિક્ષણ મુદ્દે બુદ્ધિજીવી વર્ગ માં ચિંતા પ્રસરી છે અને ઘણું બધા મુદ્દા એવા છે કે તે ઉપર ચિંતન કરવાનો સમય આવી ગયો છે આ બધા વચ્ચે શાળા માં બાળકો ને કેળવણી રૂપે આપતા પ્રેક્ટિકલ શિક્ષણ ને મજૂરી ગણવામાં આવે છે તે વાત ઉપર ચિંતન કરવાનો સમય છે, અગાઉ ની પેઢી ને યાદ હશે કે સર્વોદય કે ગામની સરકારી શાળાઓ માં સફાઈ,શણગાર, પાણીનું માટલું ભરવું અને ખેતી થી માંડી બાળકો જાતેજ મોટા થઈને કઈક કરી શકે અને બીજા ઉપર નિર્ભર રહેવું ન પડે તેવા શિક્ષણ ની વ્યવસ્થા હતી આજે આ બધું કરાવવુ તે અપરાધ હોય તેવું લાગુ કરવામાં આવ્યું છે ત્યારે બાળકો ના પાયા ના ઘડતર માં કઈક કમી રહી જાય તેવું બની શકે.

આ માટે ડૉ. નલિન પંડિત
(પૂર્વ નિયામક GCERT) એ પોતાના વિચારો રજૂ કરી શાળાઓ માં જે કેળવણી ના ભાગરૂપે શિક્ષણ અપાતું હતું તે મજૂરી નહિ સમજવા ઉપર ભાર મુકી ડીડીઓ ને એક ખુલ્લો પત્ર પાઠવી પોતાના વિચારો રજૂ કર્યા છે જે અક્ષર: રજૂ કર્યો છે જે સમજવા જેવો છે.

માન. DDO સાહેબને ખુલ્લો પત્ર.

શાળામાં સફાઈ એ મજૂરી નથી, પણ પરિશ્રમ છે. વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ એ કેળવણીનું અભિન્ન અંગ છે. આવી સફાઈ વિનાનું શિક્ષણ એકાંગી છે. વિદ્યાર્થીઓને સફાઈમાં જોડ્યા વિનાનું શિક્ષણ ક્યારેય સર્વાંગી બની શકે નહિ નહીં અને નહીં

કેળવણીને સમજવી એ નાનીમાના ખેલ નથી. આ સત્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ પુરવાર કરી છે.

આપશ્રીએ કરેલા પત્રમાં પણ કેળવણીના પાયાના આધારસ્તંભ એવા વિદ્યાર્થીઓ દ્વારા થતાં સફાઈકામને મજુરી સમજયાં હો તેવું સમજાય છે. આ ગંભીર ભૂલ છે.

જે શાળાઓમાં સફાઈ કામમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે. ત્યાં સાચી અને પાયાની કેળવણી શીખવવામાં આવી રહી છે. હું તે શાળાઓને બિરદાવું છું. સો સો સલામ કરું છું.

*સફાઈ એ મજૂરી નથી* *કેળવણી છે* . એમ ફરીને કહીશ, મારા સાહેબ. આપશ્રીએ આટલું સમજવાની જરૂર છે.

સફાઈને જ્યારે મજૂરી સમજવામાં આવે છે ત્યારે તેની કિમંત શિક્ષણ અને સમાજ બંનેને ચૂકવવા પડે છે. આજે પણ આપણે ચૂકવી રહ્યાં છીએ. મેકોલે અસર આજે પણ જોવા મળે છે તેની વેદના છે.

સફાઈ માટે શાળાને ગ્રાન્ટ મળે એટલે શું વિદ્યાર્થીઓએ સફાઈ નહિ કરવાની? શું વાત કરો છો મારા સાહેબ!

માન. વડાપ્રધાનશ્રી શા માટે જાહેરમાં હાથમાં સાવરણો પકડી સફાઈ કરે છે? તેઓશ્રી સહુને સફાઈ કરવા હાકલ કરે છે? શા માટે એ તો કહો મારા સાહેબ.

શું કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ નથી એવું?
સરકાર પાસે સફાઈ માટે અધધધ ગ્રાન્ટ છે. છતાં માન. PM સાહેબ સફાઈ કરે છે. આ પ્રવૃત્તિ પાછળનો ગૂઢાર્થ સમજવાની જરૂર છે.

આપનો આદેશ, માન. વડાપ્રધાન શ્રી મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે, આ આદેશ રાષ્ટ્રીય સફાઈ યજ્ઞને અવરોધી રહ્યો છે તેમ જરૂર કહીશ.

જાપાનમાં વિદ્યાર્થીઓ શાળામાં કચરા પોતા કરે છે. તેના ઘણા બધા વિડિઓ જોવા મળી રહ્યાં છે. DDO સાહેબ આ વિડિઓ જોવા કૃપા કરે.

વિકસિત દેશોના અભ્યાસક્રમના ભાગ સ્વરૂપે વિદ્યાર્થીઓને સફાઈમાં જોડવામાં આવે છે.

પૂર્વ CM માન. આનંદીબેન જ્યારે અમદાવાદની નામાંકીત શાળામાં પ્રિન્સિપાલ હતાં ત્યારે તે શાળાની દીકરીઓ જ વર્ગ અને શાળા સફાઈ કરતી હતી.

સફાઈ નીમ્ન હોય તો શા માટે, ઘરમાં માતા બહેન દીકરીઓ સફાઈ કરે છે! આ ભારતીય સંસ્કૃતિ છે. બાપ આટલું સમજો તેવી હાથ જોડી વિનંતી કરું છું.

શા માટે NSSમાં
વિદ્યાર્થીઓ- ગુરૂજીઓ, ગ્રામજનો સાથે મળી ગ્રામ સફાઈ કરે છે? સફાઈમાં જોડાવું એ NSSની પાયાની પ્રવૃત્તિ છે. સૈકાઓથી રાષ્ટ્ર કક્ષાએથી ખુદ શિક્ષણ વિભાગ દ્વારા તે હાથ ધરવામાં આવે છે.

હું કોઈ પણ વિજ્ઞાનમેળામાં જાવ ત્યારે મારી જાતને પ્રથમ જોડીને સહુને સફાઈમાં જોડીને તેની વૈજ્ઞાનિકતા સમજાવું છું.

રાજ્ય વિજ્ઞાનમેળામાં પૂરતી ગ્રાન્ટ હોવા છતાં તેમાં ભાગીદાર સંચાલકો સંતો વિદ્યાર્થીઓ ગુરૂજીઓ અધિકારીઓ સમાજના મોભીઓ સહુ સાથે મળી સફાઈ કરવાનો ગુજરાતનો એક આગવો શિરસ્તો છે. સાહેબ આપશ્રીએ આ સમજવાની જરૂર છે.

ગુજરાતમાં અનેક વખતે અનેક જગ્યાઓએ સંત મહાત્માઓ સફાઈમાં જોડાતા આવ્યાં છે.

પવિત્ર ધામ ગિરનારની પરિક્રમા પછીની સફાઈ, મા. ધારાસભ્યની આગેવાનીમાં અનેક વિદ્યાર્થી શાળાઓ ડોકટર એડવોકેટ કોલેજીયનો સાથે મળીને કરે છે. સમગ્ર રાજ્ય મીડિયા તેની સહર્ષ નોંધ લે છે બાપ.

સાચું તો એ છે કે જે શાળાના વિદ્યાર્થીઓ સફાઈમાં જોડાય તેનું જિલ્લા પંચાયતે સન્માન કરવું જોઈએ.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ પરિશ્રમને પ્રોત્સાહિત કરે છે.

માન. DDO સાહેબ આપશ્રી આ આદેશ પરત ખેંચો તેવી વિનંતી કરું છું.

અન્યથા
માન. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, માન. શિક્ષણમંત્રી શ્રી વાઘાણી સાહેબ અને માન. ચીફ સેક્રેટરી સાહેબને આ બાબતે હું જરૂર લખીશ.

આશા છે બંને સંઘ પણ આ બાબતની નોંધ લઈ સક્રિય થશે જ.

આદેશ પરત ખેંચાશે તેવી આશા છે. તેથી તંત્ર વધુ ગૌરવશાળી બનશે, ગુજરાત ગૌરવશાલી બનશે તેમાં કોઈ શંકા નથી.

સુબહ કા ભુલા સામકો
વાપીસ આયે તો ઉસે ભૂલા નહીં કહતે.

સાહેબ આપશ્રીને વધુ શું કહું!!

આપની પાસે મોટી અપેક્ષા છે કે આ ગંભીર ભૂલ ભરેલો પરિપત્ર આપ જરૂર પાછો ખેંચી ગુજરાતની અસ્મિતાને વાઇબ્રન્ટ બનાવશો.

જય હિન્દ.

ડૉ. નલિન પંડિત
પૂર્વ નિયામક GCERT

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Satya Day

#Hashtags