GSTV

1.3M Followers

BIG BREAKING / હેડ ક્લાર્ક પેપર લીક પરીક્ષા રદ, જેમની ઉંમર વધતી હશે તેઓની પણ ઉંમર માન્ય રખાશે : સંઘવી

21 Dec 2021.2:16 PM

Last Updated on December 21, 2021 by Dhruv Brahmbhatt

સમગ્ર રાજ્યભરમાં છેલ્લાં કેટલાંય દિવસથી હેડ ક્લાર્કની પરીક્ષાનો પેપર લીકનો મુદ્દો બરાબર ચગ્યો છે. ત્યારે આ મામલે 14 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં જ મુખ્ય આરોપી જયેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે આ મામલે હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'આ મામલે પોલીસે આજ દિન સુધીમાં 30 લાખની રકમ જપ્ત કરી છે.'

જેમની ઉંમર વધતી હશે તેઓની પણ ઉંમરને માન્ય રખાશે

વધુમાં આ મામલે હર્ષ સંઘવીએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓનાં હિતમાં હેડ ક્લાર્ક પરીક્ષા રદ કરવામાં આવે છે. એટલે કે આ પરીક્ષા આગામી માર્ચ મહીનામાં ફરી યોજાશે. ફોર્મ ભરનારા જૂના ઉમેદવારો આ પરીક્ષામાં લાયક ગણાશે. લેખિત પરીક્ષા રદ કરવી એ યોગ્ય જણાય છે. જેમની ઉંમર વધી જતી હશે તેઓની ઉંમરને માન્ય રખાશે.'

પોલીસ વિભાગ દ્રારા ન્યૂઝ અને સોશિયલ મીડિયા માહિતી આવતા પોલીસે 8 જેટલા આરોપી ઝડપી પાડ્યાં હતાં

વધુમાં હર્ષ સંઘવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'ઉમેદવારોની મહેનત સાથે તેમનો પરિવાર જોડાયેલો છે. હેડ ક્લાર્કની પરીક્ષા મામલે પસંદગી મંડળની કુલ 186 જગ્યાએ પેપરલીક થયું હતું. મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં છે. આ મામલે ગૃહ વિભાગના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. પોલીસ વિભાગ દ્રારા ન્યૂઝ અને સોશિયલ મીડિયા માહિતી આવતા પોલીસે 8 જેટલા આરોપી ઝડપી પાડ્યાં હતાં. પોલીસ વિભાગે તપાસ કરીને પ્રાંતિજ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે ગણતરીના જ દિવસોમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં કે જેઓ પેપર લીકમાં સામેલ હતાં. આજ દિન સુધીમાં આ કેસમાં પોલીસે 30 લાખ રિકવર કર્યાં છે.'

રાજ્યના 88,000 પરિવારના સપનાં એળે નહીં જાય

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'આ ગુનામાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીઓ સામે સખત પગલાં લેવાશે. રાજ્યના 88,000 પરિવારના સપનાં એળે નહીં જાય. આ કેસને હિસ્ટોરિકલ સમયમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયદા વિભાગ સાથે પરામર્શ કર્યો છે કે આ કેસ ઝડપથી કઇ રીતે ઉકેલાય. રાજ્યના લાયક યુવાન ઉમેદવારોની મહત્વાકાંક્ષા પર આંચ ન આવે તે માટે પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે.'

પુન: પરીક્ષા લેવાય તે પહેલાં તમામ આરોપીઓને કડકમાં સજા કરાશે

આ મામલે હિસ્ટ્રોલીક રીતે તપાસ વહેલી પૂર્ણ થાય તે દિશામાં પગલાં લેવાશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલુ રહેશે. પ્રાથમિક દ્રષ્ટિએ પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરાઇ છે. આ મામલે ગૌણ વિભાગ સાથે ચર્ચા કરીને નવી પદ્ધતિ પરીક્ષા લેવાય તેવું મુખ્યમંત્રી દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું. આથી ફરીથી માર્ચ મહિનામાં આ પરિક્ષા પુન: લેવાશે. આ પરીક્ષામાં જૂના ફોર્મ ભરેલા છે તે તમામ ઉમેદવારો આ પરીક્ષા માટે લાયક ગણાશે. આ સાથે જ અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે, ફરી પરીક્ષા લેવાય તે પહેલાં તમામે તમામ 14 આરોપીઓને કડકમાં સજા થાય એ માટેનો સરકારે નિર્ધાર લીધો છે. રાજ્ય સરકારે તમામ ડિપાર્ટમેન્ટ સજાગ રહેવા સૂચનાઓ આપી દીધી છે. વિદ્યાર્થીઓ ફૂટેલા પેપર લેવાનો પ્રયાસ ન કરે તેવો દાખલો અમે બેસાડીશું. જે 70 લોકોએ પેપર લીધા છે તેમને પરીક્ષા નહીં આપવા દેવામાં આવે. બિન સચિવાલય પરીક્ષામાં 10 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે તેમનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી મારી છે.'

ગાંધીનગર LCB એ પેપર લીકના મુખ્ય આરોપી જયેશ પટેલની કરી ધરપકડ

અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીનગર LCB એ પેપર લીકના મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી છે. પેપર લીક કૌભાંડમાં નામ ખૂલ્યા બાદથી જ જયેશ પટેલ ફરાર હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી જયેશને શોધવાની કવાયત હાથ ધરી હતી અને આખરે જયેશ પટેલ પોલીસના સકંજામાં આવી ગયો છે.

જયેશ પટેલને આશરો આપનારા તમામ લોકો સામે પણ કાર્યવાહી થશે

પોલીસે જયેશ પટેલ ઉપરાંત અન્ય બે ઉમેદવારોની પણ હિંમતનગરથી ધરપકડ કરી છે. સાબરકાંઠાના એસપી નીરજ બડગુજરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. એસપી બડગુજરે જણાવ્યું કે, પેપર લીકમાં નામ ખૂલ્યા બાદ જયેશ પટેલ વિવિધ ગામોમાં નાસતો ફરતો હતો. જયેશ પટેલને આશરો આપનારા તમામ લોકો સામે પણ કાર્યવાહી થશે.

અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણમાં એક બાદ એક નવા ખુલાસાઓ થયાં. જેમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયા હોવાનું સામે આવ્યું હતું. જે વ્યક્તિને પ્રશ્નપત્ર છાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે જ વ્યક્તિએ પેપર લીક કર્યું.

પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરે 9 લાખમાં વેચ્યું હતું આ પેપર

અત્રે મહત્વનું છે કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ રૂપિયા 9 લાખમાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર LCB એ કિશોર આચાર્યની અટકાયત કરીને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, 'કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે કે જેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ હાલમાં ચાલી રહી છે.'

અગાઉ પણ કોરોનાના કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી

મહત્વનું છે કે, કોરોનાના કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી કે જેમાં 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે અગાઉ પણ કોરોનાના કારણે મોકૂફ રખાઈ હતી. આ પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags