GSTV

1.4M Followers

મોટી રાહત : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી યોજનાના લાભાર્થીઓને હવે એફિડેવિટમાંથી મુક્તિ

26 Dec 2021.08:00 AM

Last Updated on December 26, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે જનહિતના કેટલાંક નિર્ણયો લીધા છે જે પ્રમાણે નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ હવે ઓનલાઇન મળશે.

આ ઉપરાંત બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ થશે. બિનખેતી હુકમોની મંજુરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે અને 2019થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આ નિર્ણયો લીધા છે.

અન્ય લેવાયેલા નિર્ણયો પ્રમાણે હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની 135/ડી નોટીસની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડી 10 દિવસ કરવામાં આવી છે. લેન્ડ રેવન્યુ કોડની કલમ-73એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવશે, જ્યારે ગણોત ધારા કલમ-32 એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં 3 વર્ષનો વધારો કરાયો છે.

ગણોત ધારા કલમ-43 તથા કલમ-63 ની મુદત અનુક્રમે 2 વર્ષથી વધારી 5 વર્ષ તથા 5 વર્ષથી વધારી 10 વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી છે. PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે

જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App શરૂ

આ સાથે રાજ્ય સરકારે વિવિધ ગુડ ગવર્નન્સ પહેલ શરૂ કરી છે જેમાં સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદ્રઢીકરણ માટે ઇ-સરકાર પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App શરૂ કરી છે.

સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા ઈ-કુટીર પોર્ટલ, વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ અને પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફાર્મ અને મોબાઇલ એપ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'સુશાસન દિવસે' 'સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ'ને સમયાનુકુલ વધુ અદ્યતન સુવિધાઓ સાથે સુદ્રઢ બનાવી રહ્યા છીએ.

રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા 'ઇ-સરકાર' એપ્લિકેશનનો પણ પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે.

મુખ્ય સચિવ પંકજકુમારે સુશાસન સપ્તાહના શુભારંભ અવસરે જિલ્લાતંત્ર અને વિવિધ વિભાગો ગુડ ગવર્નન્સના કન્સેપ્ટને વધુ સક્ષમ બનાવવા કટિબદ્ધ છે તેવી ખાતરી પણ આપી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags