સંદેશ

1.5M Followers

ગુજરાતમાં તબીબોની હડતાલ એક સપ્તાહ સુધી સ્થગિત, આરોગ્યમંત્રીએ કરી જાહેરાત

09 Dec 2021.6:18 PM

  • 243 જેટલા ડોકટરોની નિમણૂંક

  • માસિક 63 હજારના પગારથી કરાશે ભરતી

  • એક સપ્તાહમાં તમામ પ્રશ્નો ઉકેલાશે: આરોગ્યમંત્રી

  • NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબ, રેસિડેન્ટ ડૉક્ટરોની અછત વચ્ચે જુનિયર ડોક્ટરો પૂરા નહીં પાડવા સહિતની માંગણીઓ મુદ્દે રાજ્યભરની વિવિધ કોલેજોના બે હજારથી વધુ રેસિડેન્ટ તબીબોએ છેલ્લા કેટલાક સમયથી આંદોલનનુ રણશિંગુ ફૂંક્યું છે.

    જો કે આજે આરોગ્ય મંત્રી આ મામલે મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે તબીબોની હડતાલ એક સપ્તાહ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

    આ અંગે વિગતો આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 243 જેટલા ડોક્ટર્સની માસિક 63 હજારના પગારથી ભરતી કરવામાં આવશે. જ્યારે 50 ટકા જગ્યામાં જુનિયર રેસિડેન્ટ તબીબોની ભરતી થશે. આ સિવાય આગામી એક સપ્તાહમાં તબીબોના તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

    સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને પગલે OPD, ઈમરજન્સીમાં દર્દીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આગોતરા આયોજન વાળા ઓપરેશન રદ્દ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ OPDમાં દર્દીઓને રઝળપાટ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આમ સમયસર સારવાર નહિ મળવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કામનો બોજ વધતાં સિનિયર ડોક્ટરો પણ પરેશાન થઈ રહ્યા છે.
    આવી જ હાલત લગભગ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં જોવા મળી હતી.

    શું હતી હડતાલ પર ઉતરેલા તબીબોની માંગ
    1. નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ટેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.

    2. સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.

    3 .યુજી, પીજી તથા સુપરસ્પેશ્યાલિટી રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્વતિ લાગુ કરવામાં આવે.

    4. બોન્ડેડ તબીબોની નિમણૂક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે કરવામાં આવે.

    બીજી તરફ ગુજરાતની સરકારી મેડિકલ કોલેજ અને GMERSમાં ફરજ બજાવતા 10,000 તબીબી અધ્યાપકોના NPA, પગાર સહિતના પ્રશ્નો અંગે પૂર્વ સરકારના મંત્રીઓએ ખાતરી આપી હતી. જો કે તે વાતને 6 માસ થવા છતાં હજુ સુધી એક પણ માગણી સંતોષાઈ નથી. તેના કારણે તબીબી અધ્યાપકોમાં અસંતોષ અને નારાજગી ફેલાઈ છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસીએશને જો તેમના પ્રશ્નો નહીં ઉકેલાય તો 13મી ડિસેમ્બરથી હડતાલ પર જવાનું એલાન કર્યું છે. એસો.એ આક્ષેપ કર્યો છે કે, તેમને NPA આપવામાં આવ્યું નથી ઊલટાની રિકવરી કાઢી છે.

    તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

    #Hashtags