GSTV

1.3M Followers

મોટા સમાચાર : હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે પોલીસને મળ્યાં આધારભૂત પુરાવા, શંકાસ્પદ 8થી વધુ લોકોની અટકાયત

15 Dec 2021.11:55 AM

Last Updated on December 15, 2021 by Dhruv Brahmbhatt

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા મામલે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે.

હાલમાં હર્ષ સંઘવી ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ મામલે બેઠક ચાલી રહી છે.

જેમાં પોલીસને પેપર લીક થયાના પુરાવા મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આધારભૂત પુરાવા ગૃહમંત્રી સમક્ષ રજૂ કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, બપોર બાદ હેડક્લાર્કનું પેપર ફૂટ્યું છે કે નહીં તેને લઇને સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવી શકે છે.

જો કે, અન્ય સૌથી મોટા સમાચાર એ પણ સામે આવ્યાં છે કે, આ મામલે શંકાસ્પદ ૮થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ છે. પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પોલીસ દ્વારા અટકાયત કરાઇ છે.

મહત્વનું છે કે, સંભવિત પેપર લીક થવાની ઘટનાના તપાસ સાથે જોડાયેલા પોલીસ અધિકારીઓ અને ગૌણ સેવાના પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ અસિત વોરા, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી અને એસઓજીના અધિકારીઓની ગૃહ મંત્રીએ બેઠક બોલાવી છે. હર્ષ સંઘવીની બેઠક માટે અધિકારીઓની આવવાની શરૂઆત થઇ ગઇ છે. જો કે, મીડિયા દ્વારા નિવેદન લેવાનો પ્રયાસ કરાતા અસિત વોરાએ મીડિયા સમક્ષ નિવેદન કરવાનું ટાળ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે પહોંચ્યાં છે. AAPના કાર્યકર્તાઓ ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને આ મામલે રજૂઆત કરશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags