સાંજ સમાચાર

310k Followers

ઉનાળામાં હીટવેવને કારણે થતા સનસ્ટ્રોક (લૂ) થી બચવાના ઉપાયો

04 Apr 2022.2:56 PM

જામનગર તા.4: હાલ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તા. 04/04/2022 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. અને ઉનાળામાં હીટવેવના કારણે સન સ્ટ્રોક (લૂ) લાગવાના કેસો ખૂબ બનવા પામે છે. ઉનાળાની ઋતુમાં લુ લાગવાના કેસોને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા સનસ્ટ્રોક (લૂ) થી બચવા જાહેર જનતા માટે આરોગ્યલક્ષી સુચનાઓ જાહેર કરી છે.

તે મુજબ હીટવેવ દરમ્યાન બહાર નીકળવાનુ ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઇ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત અને બિમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, સીધા સુર્યપ્રકાશથી બચવુ, ભીના કપડાથી માથુ ઢાંકી રાખવુ અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવુ,વારંવાર ઠંડું પાણી પીવુ, લીંબુ શરબત,મોળી છાસ, તાડફળી અને નારીયેળનું પાણી,પાણી,ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઇએ. બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું,શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું, બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગે દૂધ, માવામાંથી બનાવેલ ખાધપદાર્થો ખાવા નહી.

ઉપવાસ કરવાનુ ટાળવું, સવારનું ભોજન 12:00 વાગ્યા સુધીમાં લઇ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું. વરિયાળી,કાચી કેરી,ગુલાબ,ખસવાળા અને કાળી દ્રાક્ષનું શરબત લઇ શકાય, રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી,તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવુ.

માથાનો દુખાવો,પગની પીંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કરઆવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી અને અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ બધા લક્ષણો હીટવેવના કારણે લૂ લાગવાના હોઇ શકે છે આવી પરિસ્થિતિમાં તુરત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sanj Samachar

#Hashtags