VTV News

1.2M Followers

PM આવાસ યોજના / ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, મધ્યમવર્ગીય પરિવારોનું 'ઘરના ઘર'નું સપનું થશે સાકાર

30 May 2022.2:01 PM

  • PM આવાસને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત
  • ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 8.61 લાખ મકાન બનશે
  • રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં 4.49 લાખ મકાન બનશે

પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇને ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જાહેરાત કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 8.61 લાખ મકાન અને ગ્રામીણ વિસ્તારમાં 4.49 લાખ મકાન બનશે. 2024 સુધીમાં પાકા સુવિધાયુક્ત મકાન આપવાનું સરકારનું આયોજન છે.'

એ માટે કેન્દ્ર સરકારે આવસ માટેના બજેટમાં રૂપિયા 48 હજાર કરોડની જોગવાઈ કરી હતી.

વધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં કુલ 9.76 લાખથી વધુ નવા આવાસ તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર અપાયા છે. મધ્યમ વર્ગના તમામને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાતમાં પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં કુલ 8.61 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 4.49 લાખ નવીન આવાસ નિર્માણનું લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યું છે જેને પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પીએમ આવાસ યોજના હેઠળ જરૂરિયાત મંદોને પોતાનું નવું સરનામું આપવાના હેતુથી અત્યાર સુધીમાં કુલ 3.10 કરોડથી સૌથી વધુ નવીન આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી એક વર્ષમાં વધુ 80 લાખ નવા ઘર બનાવવાનું લક્ષ્‍યાંક કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને સાકાર કરવા કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂ. 48 હજાર કરોડથી માતબર રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ લક્ષ્‍યાંકને મૂર્તિમંત કરવા પીએમ આવાસ યોજનાને આગામી માર્ચ 2024 સુધી ચાલુ રાખવાનું પણ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી

રાજ્યના શહેરી વિસ્તારમાં શહેરી ગરીબો અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને વ્યાજબી કિંમતના આવાસો ઉપલબ્ધ કરવાના હેતુ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના - હાઉસિંગ ફોર ઓલ-શહેરીના ધ્યેય મંત્ર સાથે PM મોદીના માર્ગદર્શન હેઠળ તારીખ 25 જૂન 2015ના રોજ યોજના જાહેર કરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં ગુજરાતની 162 નગરપાલિકા, 8 મહાનગરપાલિકા અને 1 નોટીફાઇડ શહેર સાપુતારાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘટકવાર થયેલ પ્રગતિમાં અફોર્ડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશિપ ઘટક હેઠળ સરકારી ખુલ્લી જમીનો પર 40 ચો.મી સુધીના આવાસો બાંધવા રૂ. 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા ઘર વિહોણા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ તથા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૫૦ લાખ એમ કુલ મળી રૂ. 3 લાખની સહાય આપવામાં આવે છે. જ્યારે ૩૦ ચો.મીના આવાસ માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૩ લાખ તથા ૪૦ ચો.મી.ના આવાસો માટે લાભાર્થી ફાળા પેટે રૂ. ૫.૫૦ લાખ લાભાર્થી ફાળો ભોગવવાનો રહે છે. આ ઘટક અંતર્ગત કુલ 2.27 લાખ આવાસો મંજૂર કરાવી તે પૈકી 1.70 લાખ જેટલાં આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઇન સીટુ સ્લમ રી-ડેવલપમેન્ટ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં સરકારી જમીનો પર આવેલ ઝૂંપડાવાસીઓને તે જ જગ્યા પર સુવિધા સભર આવાસો વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ ઘટકમાં વર્ષ ૨૦૧૦ પહેલા સ્લમમાં રહેતા ઘર વિહોણા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થી તરીકે તમામ પરિવારોનો સમાવેશ આ ઘટક હેઠળ કરવામાં આવે છે. આ ઘટકમાં કુલ ૭૫ હજારથી પણ વધારે મંજૂર આવાસો પૈકી ૧૫ હજાર આવાસોની કામગીરી પૂર્ણ કરાઈ.

બેનીફીસીયરી લેડ કંસ્ટ્રક્શન ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન કે કાચુ-પાકું મકાન ધરાવતા હોય અને રૂ. ૩.૦૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પતિ-પત્ની અને અપરણિત બાળકો પરિવાર તરીકે વ્યાખ્યાયિત લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઘટક અંતર્ગત આવાસ બાંધકામ માટે રૂ ૩.૫૦ લાખ સુધીની સહાય જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧.૫૦ તથા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨ લાખ એમ કુલ મળી રૂ. ૩.૫૦ લાખની સહાય DBT દ્રારા ફાળવવામાં આવે છે. આ ઘટકમાં કુલ 1.44 લાખથી પણ વધારે મંજૂર આવાસો પૈકી ૫૩ હજાર આવાસોની કામગીરી પૂર્ણ કરાઈ છે.

ગુજરાતમાં કુલ 6.24 લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી

જ્યારે ક્રેડિટ લિંક સબસિડી ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં ૬૦ ચો.મી સુધીના પ્રથમ આવાસ માટે લેવામાં આવેલી લોન પર રૂ. ૨.૬૭ સુધીની વ્યાજ સહાય આપવામાં આવી રહી છે. આ ઘટક અંતર્ગત કુલ ૪.૪૫ લાખથી વધારે લાભાર્થીઓને રૂ. ૧૦,૨૦૦ કરોડની વ્યાજ સહાયનો લાભ આપી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે.

આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં આ ચાર ઘટકમાં મંજૂર કુલ ૮.૬૧ લાખ આવાસ પૈકી ૬.૨૪ લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બાકીના આવાસો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા 20 નવેમ્બર 2016થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેન્દ્ર સરકાર ૬૦ ટકા અને રાજ્ય સરકાર ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.

આ યોજનાનો ઉદેશ ગ્રામ્ય વિસ્તારમાં 'સામાજિક આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧ના કાયમી પ્રતિક્ષા યાદીમાં નામ ધરાવતા તેમજ "આવાસ પ્લસ'ના સર્વે મુજબ ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ નક્કી કરેલ માપદંડોને અનુરૂપ પાત્રતા ધરાવતા હોય તેવા ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા લાભાર્થીઓને નાણાંકીય સહાય પુરી પાડી નવા આવાસના બાંધકામ માટે સહાયરૂપ બનવાનો છે. જેમાં લાભાર્થીઓને પ્રતિ આવાસ રૂ.૧,૨૦,૦૦૦/- ની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ રોજગારી પેટે રૂ.૨૦,૬૧૦ની સહાય અને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦ એમ કુલ રૂ.૧,૫૨,૬૧૦ ની સહાય મળવા પાત્ર થાય છે.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન લાભાર્થીઓના કુટુંબની મહિલાઓને ધ્યાને રાખીને આવાસની સાથે બાથરૂમ બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૫,૦૦૦/- ની વધારાની સહાય 'બાથરૂમ બાંધકામ સહાય યોજના' હેઠળ ૧૦૦% રાજય ભંડોળમાંથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને રાજ્ય સરકારની 'મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના' હેઠળ લાભાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/-ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ જિલ્લાઓને વિવિધ પાંચ ઝોનમાં વિભાજિત કરી ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને રાખી ૪૧ ટાઈપ ડિઝાઇન મુજબ ટકાઉ અને ભૂકંપ પ્રતિરોધક આવાસ બાંધવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારમાં ઘર વિહોણા લાભાર્થીઓને છેલ્લાં પાંચ વર્ષમાં 3 લાખને પાર નવા આવાસનું નિર્માણ

ગ્રામીણ વિસ્તારમાં ઘર વિહોણા લાભાર્થીઓને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૪,૪૯,૧૦૩ આવાસના લક્ષ્‍યાંક સામે ૨૪ મે ૨૦૨૨ની સ્થિતિએ ૩,૫૨,૭૭૬ નવા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ૪,૩૩,૨૯૩ આવાસ મંજૂર થયા છે જ્યારે ૧,૧૯,૫૬૭ આવાસ હાલમાં પ્રગતિ હેઠળ છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ સૌથી વધુ દાહોદ જિલ્લામાં ૯૧,૦૦૦, પંચમહાલ જિલ્લામાં ૫૪,૫૧૬, છોટાઉદેપુરમાં ૨૭,૬૮૬, અરવલ્લીમાં ૨૪,૩૫૫ અને બનાસકાંઠા જિલ્લામાં ૧૯,૪૩૨ આવાસો એમ રાજ્યના કુલ ૩૩ જિલ્લામાં ૩,૫૨,૩૭૬ આવાસો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ આવાસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલય દ્વારા ગુજરાતને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વગ્રાહી અમલીકરણમાં ડાંગ જિલ્લાને પ્રથમ જયારે વર્ષ ૨૦૧૯-૨૦માં શ્રેષ્ઠ કામગીરી બદલ પોરબંદરના રાણાવાવ તાલુકાને દ્વિતીય ક્રમે એવોર્ડ આપી સન્માનિત કરાયો હતો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags